HealthyGujarati.com
હેલ્થનું ગુજરાતી કનેક્શન…!!
ગુજરાતના કોઈ પણ ઘરમાં સવાર પડે… ચાની ચૂસકી સાથે છાપું અને ઘરના લોકોની ચહલપહલ.
આપણા ઘરના દીવાનખંડમાં ઘણી વાતો થાય છે, પણ કેટલીક ચિંતાઓ શબ્દો વિના જ સમજાઈ જાય છે. પપ્પાના બ્લડ પ્રેશરની ચિંતા, બાળકોની બદલાતી ખાણીપીણીની આદતો, તહેવારો પછી વધતું વજન, કે પછી મનમાં ચાલતો અકારણ તણાવ.
આવી ચિંતાઓ વખતે આપણે તરત જ ફોન પર જવાબો શોધીએ છીએ. પણ ત્યાં મળતી સલાહ આપણી ક્યાં હોય છે?
એ આપણને ‘બ્રાઉન બ્રેડ’ ખાવાનું કહે છે, પણ આપણા ખાખરા-થેપલાને સમજતી નથી. એ આપણને ‘વર્ક-લાઇફ બેલેન્સ’ શીખવે છે, પણ આપણા પારિવારિક તહેવારો અને જવાબદારીઓને સમજતી નથી.
આપણને એક એવી જગ્યાની જરૂર હતી જે આપણી હોય. જે આપણી ભાષામાં, આપણા સંદર્ભમાં વાત કરે. જે ડોક્ટર જેવું જ્ઞાન આપે અને ઘરના વડીલ જેવી હુંફ.
બસ, આ જ ખાલીપો ભરવા માટે HealthyGujarati.com ની શરૂઆત થઈ છે.
અમે કોઈ મોટી કંપની નથી, પણ તમારા જેવા જ લોકોનો એક પરિવાર છીએ જે સ્વાસ્થ્યને ગંભીરતાથી લે છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં આપણા વડવાઓની સાદી અને સચોટ જીવનશૈલીનો અનુભવ અને આધુનિક મેડિકલ વિજ્ઞાનનો આધાર, બંનેનો સંગમ થાય છે.
અમે શું કરીએ છીએ?
સંપૂર્ણ સ્વાસ્થ્યની વાત: અહીં વાત ફક્ત બીમારી કે ડાયટની નથી. અહીં આપણે શારીરિક, માનસિક અને ભાવનાત્મક, ત્રણેય સ્તર પર સ્વસ્થ રહેવાની વાત કરીએ છીએ.
સરળ ભાષામાં સમજણ: અમે મોટા અને અઘરા તબીબી શબ્દોને સરળ ગુજરાતીમાં સમજાવીએ છીએ. અમારો હેતુ તમને ડરાવવાનો નહીં, પણ જાગૃત અને સશક્ત બનાવવાનો છે.
આપણા લોકો, આપણું જ્ઞાન: આ સફરની શરૂઆત ડૉ. પ્રશાંત પટેલે કરી હતી, અને આજે બીજા ઘણા નિષ્ણાત ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સ આ મિશનમાં જોડાઈ રહ્યા છે. આ એવા લોકો છે જે આપણી સંસ્કૃતિ અને આપણી સમસ્યાઓ, બંનેને ઊંડાણપૂર્વક સમજે છે.
અમારો વિશ્વાસ
અમે દ્રઢપણે માનીએ છીએ કે જ્ઞાન એ સૌથી મોટી તાકાત છે. જ્યારે તમે તમારા શરીર અને મનને બરાબર સમજો છો, ત્યારે તમે ડર્યા વગર સ્વાસ્થ્ય સંબંધિત યોગ્ય નિર્ણયો લઈ શકો છો. આ સમજ તમને બીમારીઓથી બચવામાં પણ મદદ કરે છે અને જો બીમારી હોય, તો તેની સાથે વધુ સારી રીતે જીવતા શીખવે છે.
તો ચાલો, આપણે આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્યની પણ એક નવી, સકારાત્મક શરૂઆત કરીએ. આ સફરમાં તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ.
HealthyGujarati.com ની ટીમના
જય શ્રી કૃષ્ણ.



કેમ છો!
ચાલો, આજે બધી ફોર્માલિટી બાજુ પર મૂકીએ. હું ડૉક્ટર છું એ પહેલાં, હું એક પાક્કો ગુજરાતી છું.
આપણો ભવ્ય વારસો ફક્ત સ્વાદિષ્ટ વાનગીઓ પૂરતો સીમિત નથી. એ તો આપણા વડવાઓની સ્વસ્થ જીવનશૈલીમાં છુપાયેલો છે – સવારના ચાલવાથી મળતી તાજગીમાં, આંગણામાં થતી હળવી કસરતમાં, અને પરિવાર સાથે બેસીને થતી વાતોથી મળતી મનની શાંતિને કારણે એ લોકો શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહેતા.
પરંતુ આધુનિક યુગમાં આપણે સ્વાથ્ય પ્રત્યે થોડાક થતાં જઈએ છીએ. આપણી આ જ બેદરકારી આપણને હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ સુધી લઈ આવે છે.
જ્યારે કોઈ પરિવારને ગભરાયેલી હાલતમાં પોતાના સ્વજનને લઈને દોડતો જોઉં છું, ત્યારે ખૂબ દુઃખ થાય છે. એ સમયે મને એમનામાં મારા પોતાના જ કુટુંબીજનો દેખાય છે. ICU ની બહાર રાહ જોતી આંખોમાં રહેલી લાચારી મેં ખૂબ નજીકથી અનુભવી છે. અને જ્યારે થોડા સમય પછી એ જ દર્દી મારી OPD માં આવે અને ધીમા અવાજે પૂછે, “ડૉક્ટર સાહેબ, શું આ બધું ટાળી શકાયું હોત?”
ત્યારે મારા મનમાં એક જ જવાબ આવે છે – “હા” (મોટા ભાગના કિસ્સાઓમાં.)
આ ‘હા’ ની સાથે એક જવાબદારીનો અહેસાસ પણ થાય છે. એક ડોક્ટર તરીકે મારી જવાબદારી ફક્ત દવા લખી આપવા પૂરતી નથી, પણ લોકોને બીમાર પડતા જ રોકવાની પણ છે.
HealthyGujarati.com એ આ જ જવાબદારીમાંથી જન્મેલો એક વિચાર છે.
આવો, આપણા ઘરને દવાઓના કબાટમાંથી મુક્ત કરી, તેને આરોગ્ય અને આનંદનું મંદિર બનાવીએ.
Join Us
આપણી આવનારી પેઢીને દવાનો નહીં, પણ સારા સ્વાસ્થ્યનો વારસો આપવા માટે subscribe કરો.