હાર્ટએટેક શું છે? એક લેખ ,જે જિંદગી બચાવી શકે છે.
આજની ભાગદોડભરી જીવનશૈલીમાં, “હાર્ટ એટેક” અથવા “હૃદયરોગનો હુમલો” એ એક એવો શબ્દ છે જે આપણને વારંવાર સાંભળવા મળે છે. આ એક અત્યંત ગંભીર અને જીવલેણ સ્થિતિ છે, પરંતુ તેના વિશેની સાચી, સ્પષ્ટ અને સરળ ભાષામાં માહિતીનો અભાવ જોવા મળે છે. આ વિસ્તૃત લેખનો હેતુ હાર્ટ એટેક શું છે, તેના મૂળભૂત કારણો શું છે, તેના ચેતવણીરૂપ લક્ષણોને કેવી રીતે ઓળખવા, અને કટોકટીના સમયે જીવ બચાવવા માટે કયા નિર્ણાયક પગલાં લેવા જોઈએ તે વિશે સંપૂર્ણ સમજણ આપવાનો છે. આ માહિતી દરેક વ્યક્તિ માટે જાગૃત રહેવા અને ઈમરજન્સીમાં યોગ્ય નિર્ણય લેવા માટે અત્યંત આવશ્યક છે.
હાર્ટ એટેક શું છે? ચાલો મૂળભૂત વિજ્ઞાનને સમજીએ
આપણા શરીરના દરેક અંગની જેમ, આપણા હૃદયને પણ સતત કામ કરવા માટે ઓક્સિજનયુક્ત લોહીની જરૂર પડે છે. આ લોહી હૃદયના સ્નાયુઓ સુધી ખાસ નળીઓ દ્વારા પહોંચે છે, જેને કોરોનરી ધમની (Coronary Artery) કહેવાય છે. હાર્ટ એટેક એ એવી સ્થિતિ છે જ્યારે આ કોરોનરી ધમનીઓમાંથી કોઈ એકમાં અચાનક લોહીનો પ્રવાહ સંપૂર્ણપણે અટકી જાય છે.
આવું થવાનું મુખ્ય કારણ ધમનીઓની અંદરની દીવાલ પર કોલેસ્ટ્રોલ, ચરબી અને અન્ય પદાર્થોનું જામી જવું છે, જેને તબીબી ભાષામાં ‘પ્લાક’ (Plaque) કહે છે. સમય જતાં જ્યારે આ પ્લાક અસ્થિર બનીને ફાટે છે, ત્યારે શરીર તેને મટાડવાની પ્રક્રિયાના ભાગરૂપે ત્યાં લોહીનો ગઠ્ઠો (Blood Clot) બનાવે છે. આ ગઠ્ઠો એટલો મોટો હોઈ શકે છે કે તે ધમનીને સંપૂર્ણપણે બ્લોક કરી દે છે.
જ્યારે આવું થાય છે, ત્યારે હૃદયના સ્નાયુઓના અમુક ભાગને લોહી અને ઓક્સિજન મળતા બંધ થઈ જાય છે. ઓક્સિજન વિના, હૃદયના એ સ્નાયુઓ નબળા પડવા લાગે છે અને ધીમે ધીમે મૃત્યુ પામે છે. હૃદયના સ્નાયુઓને થતા આ કાયમી નુકસાનને જ તબીબી ભાષામાં મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (Myocardial Infarction) અથવા સામાન્ય બોલચાલમાં હાર્ટ એટેક કહેવામાં આવે છે.
ટૂંકમાં: હાર્ટ એટેક એટલે હૃદયના સ્નાયુઓને લોહી ન મળવાને કારણે થતું નુકસાન.
હાર્ટ એટેક, કેવી રીતે નિદાન થાય? (Diagnosis of Heart Attack)
1) ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG)
આ સૌથી પહેલી અને ઝડપી તપાસ છે. આ મશીન તમારા હૃદયની વિદ્યુત ગતિવિધિ (Electrical Activity) નો ગ્રાફ બનાવે છે. હૃદયને નુકસાન થવા પર આ ગ્રાફમાં ચોક્કસ ફેરફાર જોવા મળે છે.
⚠️ મર્યાદા: હાર્ટ એટેકની શરૂઆતની પ્રથમ કલાકમાં લગભગ 50% કેસમાં ECG રિપોર્ટ બિલકુલ નોર્મલ આવી શકે છે. કારણ કે શરૂઆતમાં હૃદયને થયેલું નુકસાન એટલું સૂક્ષ્મ હોય છે કે તે ECG માં પકડાતું નથી. આથી ડોક્ટર થોડા-થોડા સમયે ફરીથી ECG કરાવે છે.
2) લોહીની તપાસ (Blood Tests – Cardiac Enzymes)
જ્યારે હૃદયના સ્નાયુઓને નુકસાન થાય છે, ત્યારે તેમાંથી ટ્રોપોનિન (Troponin) જેવા ખાસ પ્રોટીન લોહીમાં ભળવા લાગે છે. લોહીની તપાસ દ્વારા આ પ્રોટીનનું સ્તર માપવામાં આવે છે.
⚠️ મર્યાદા: હૃદયના સ્નાયુમાંથી ટ્રોપોનિનને લોહીમાં ભળતા 3 થી 6 કલાક જેટલો સમય લાગી શકે છે. આથી, જો દર્દી લક્ષણો શરૂ થતાં જ તરત હોસ્પિટલ પહોંચી જાય, તો તેનો પહેલો ટ્રોપોનિન રિપોર્ટ નેગેટિવ (નોર્મલ) આવી શકે છે. આથી ડોક્ટર થોડા કલાકો પછી આ ટેસ્ટ ફરીથી કરાવે છે.
3) ઇકોકાર્ડિયોગ્રામ (ઇકો)
આ હૃદયની સોનોગ્રાફી જેવી તપાસ છે. તેનાથી હૃદય કેવી રીતે ધબકે છે અને તેની દીવાલો બરાબર કામ કરે છે કે નહીં, હાર્ટ અટેક થી ડેમેજ થયું છે કે નહીં, તેની જીવંત તસવીર જોવા મળે છે.
⚠️ મર્યાદા: જો હાર્ટ એટેક બહુ નાનો હોય, કે NSTEMI પ્રકારનો હોય તો શરૂઆતમાં ઇકોમાં પણ કોઈ મોટી ગરબડ ન દેખાય તેવું બની શકે છે.
4) કોરોનરી એન્જિયોગ્રામ (Coronary Angiogram)
આ હાર્ટ એટેકનું કારણ જાણવા માટેની સૌથી સચોટ પદ્ધતિ છે. આ પ્રક્રિયામાં, એક પાતળી નળી દ્વારા હૃદયની ધમનીઓમાં ખાસ ડાઈ (Dye) નાખીને એક્સ-રે લેવામાં આવે છે. તેનાથી સ્પષ્ટ દેખાઈ જાય છે કે કઈ નળીમાં અને કેટલા ટકા બ્લોકેજ છે.
યાદ રાખો: લક્ષણો સૌથી મહત્વના છે. જો ક્લાસિક લક્ષણો છે તો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ હોવા છતાં હાર્ટ એટેક માનવામાં આવે છે. ખાસ કરીને શરૂઆતના કલાકોમાં “રિપોર્ટ નોર્મલ છે” એવું વિચારીને ઘરે ન જતા રહો. તમારા શરીરના સંકેતોને સાંભળો અને ડોક્ટરની સલાહ મુજબ દેખરેખ હેઠળ રહો. તમારી આ જાગૃતિ તમારો જીવ બચાવી શકે છે.
હાર્ટ એટેકના મુખ્ય લક્ષણો
જ્યારે હૃદયની ધમનીમાં બ્લોકેજને કારણે લોહીનો પ્રવાહ અટકે છે, ત્યારે હૃદયના સ્નાયુઓ ઓક્સિજન માટે તડપે છે. આ ઓક્સિજનની કમી (O2ની ઉણપ) ને કારણે શરીરમાં જે પ્રતિક્રિયાઓ થાય છે, તે જ લક્ષણો સ્વરૂપે બહાર આવે છે.
1) છાતીમાં દુખાવો, દબાણ, ભારેપણું કે બળતરા
આ હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે. એવું લાગે જાણે છાતી પર કોઈ ભારે વજન મૂકી દીધું હોય, કોઈ છાતીને જોરથી દબાવી રહ્યું હોય, અથવા છાતીની બરોબર વચ્ચે ભીંસ અનુભવાય.
વૈજ્ઞાનિક કારણ: જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઓક્સિજન નથી મળતો (આ સ્થિતિને ઇસ્કેમિયા (Ischemia) કહે છે), ત્યારે તે કોષો લેક્ટિક એસિડ જેવા કેમિકલ્સ છોડે છે. આ કેમિકલ્સ હૃદયમાં રહેલી ચેતાતંતુઓ (Nerve Endings) ને ઉત્તેજિત કરે છે, જે મગજને પીડાના સંકેતો મોકલે છે. મગજ આ સંકેતોને દબાણ, દુખાવા કે ભારેપણા તરીકે અનુભવે છે.
2) દુખાવો શરીરના અન્ય ભાગોમાં ફેલાવો
આ દુખાવો છાતીમાંથી ખભા, ડાબા હાથ, પીઠ, ગરદન, જડબા કે પેટના ઉપરના ભાગમાં પણ ફેલાઈ શકે છે.
વૈજ્ઞાનિક કારણ: આને “રેફર્ડ પેઇન” (Referred Pain) કહેવાય છે. હૃદયમાંથી નીકળતી ચેતાઓ અને હાથ, જડબા અને ગરદનમાંથી નીકળતી ચેતાઓ કરોડરજ્જુમાં એક જ જગ્યાએ ભેગી થાય છે. આથી, મગજને જ્યારે હૃદયમાંથી પીડાના સંકેતો મળે છે, ત્યારે તે ગૂંચવાઈ જાય છે અને તેને એવું લાગે છે કે આ દુખાવો હાથ કે જડબામાંથી આવી રહ્યો છે.
3) શ્વાસ લેવામાં તકલીફ (શ્વાસ ચડવો)
ઘણીવાર છાતીમાં દુખાવા સાથે અથવા દુખાવા વગર પણ અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે.
વૈજ્ઞાનિક કારણ: હાર્ટ એટેકને કારણે હૃદયની લોહી પમ્પ કરવાની ક્ષમતા ઘટી જાય છે. આના કારણે ફેફસાંમાંથી લોહી પાછું હૃદયમાં સરળતાથી નથી આવી શકતું અને ફેફસાંની રક્તવાહિનીઓમાં દબાણ વધે છે. આ દબાણને કારણે ફેફસાંમાં પ્રવાહી જમા થઈ શકે છે (જેને પલ્મોનરી એડીમા કહે છે), જેનાથી શ્વાસ લેવો મુશ્કેલ બને છે.
4) ખૂબ જ પરસેવો વળવો (ઠંડો પરસેવો)
કોઈપણ શ્રમ કે ગરમી વગર અચાનક જ શરીરે ઠંડો અને ચીકણો પરસેવો વળી જાય છે.
વૈજ્ઞાનિક કારણ: હાર્ટ એટેક એ શરીર માટે એક મોટો આઘાત છે. આ સમયે, શરીરની “ફાઇટ ઓર ફ્લાઇટ” (Fight or Flight) સિસ્ટમ સક્રિય થઈ જાય છે. આ સિસ્ટમ એડ્રેનાલિન જેવા હોર્મોન્સ છોડે છે, જે શરીરને ખતરા સામે લડવા તૈયાર કરે છે. આ હોર્મોન્સની અસર હેઠળ પરસેવાની ગ્રંથિઓ વધુ સક્રિય બને છે.
5) ચક્કર આવવા, ગભરામણ કે બેચેની
અચાનક માથું હલકું લાગવું, ચક્કર આવવા અથવા એવું લાગવું કે હમણાં પડી જવાશે.
વૈજ્ઞાનિક કારણ: હૃદય બરાબર પમ્પ ન કરી શકવાને કારણે મગજને મળતા લોહી અને ઓક્સિજનના પુરવઠામાં ઘટાડો થાય છે. મગજમાં ઓક્સિજનની કમીને કારણે ચક્કર આવવા અને ગભરામણ જેવી સમસ્યાઓ થાય છે.
શું આ દુખાવો હૃદયનો જ છે? અન્ય દુખાવા સાથેનો ભેદ
છાતીમાં થતો દરેક દુખાવો હાર્ટ એટેક નથી હોતો. તેને ગેસ કે સ્નાયુના દુખાવાથી અલગ પાડવો જરૂરી છે.
- ગેસનો દુખાવો: આ દુખાવો મોટે ભાગે ખાવા-પીવા કે સૂવાની પોઝિશન સાથે સંબંધિત હોય છે. તેમાં બળતરા વધુ હોય છે અને ઓડકાર કે એસિડિટીની દવાથી રાહત મળી શકે છે.
- સ્નાયુનો દુખાવો: આ દુખાવો કોઈ ચોક્કસ જગ્યાએ થાય છે, જેને દબાવવાથી કે શરીરને અમુક રીતે હલાવવાથી તે વધે છે.
શ્રમનો નિયમ: સૌથી મહત્વની નિશાની
જો છાતીમાં થતી કોઈપણ તકલીફ શ્રમ કે ચાલવાથી વધતી હોય અને આરામ કરવાથી ઓછી થતી હોય, તો તેને જ્યાં સુધી ડોક્ટર ના પાડે ત્યાં સુધી હૃદયની જ તકલીફ સમજવી. આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે આપણે શ્રમ કરીએ છીએ, ત્યારે આપણા સ્નાયુઓને વધુ લોહીની જરૂર પડે છે. બ્લોકેજને કારણે બીમાર હૃદય આ વધારાની માંગ (Extra Load) પૂરી કરી શકતું નથી, અને તેથી લક્ષણો દેખાવા લાગે છે.
આવા લક્ષણોને ક્યારેય અવગણશો નહીં. તરત જ ડોક્ટરનો સંપર્ક કરો, કારણ કે સમયસર નિદાન અમૂલ્ય જીવ બચાવી શકે છે.
સારવારના મુખ્ય વિકલ્પો: બંધ નળીને કેવી રીતે ખોલવી?
હાર્ટ એટેકની સારવારનો મુખ્ય ઉદ્દેશ્ય લોહીના ગઠ્ઠા (clot) દ્વારા બંધ થયેલી હૃદયની ધમનીને બને તેટલી જલ્દી ખોલવાનો છે. જેટલી વહેલી સારવાર મળે તેટલું હૃદયના સ્નાયુઓનું નુકસાન ઓછું થાય છે. વિલંબ થવાથી હૃદયની પમ્પ કરવાની ક્ષમતા કાયમી રીતે ઘટી શકે છે. એટલે જ “સમય એટલે હૃદય” (Time is Muscle) કહેવાય છે.
Golden Hours અને તેનું મહત્વ
હાર્ટ એટેક પછીની પહેલી 60 થી 90 મિનિટને “Golden Hours” કહેવાય છે. આ સમયમાં ઝડપી સારવાર મળવાથી હૃદયના સ્નાયુઓ બચી શકે છે અને દર્દીનો જીવ બચવાની શક્યતા ઘણી વધી જાય છે.
જેમ જેમ સમય જતો જાય છે, તેમ તેમ હ્રદયના સ્નાયુનું નુકસાન વધારે અને પર્મેનન્ટ થઈ જાય છે.
1) થ્રોમ્બોલિસિસ (Thrombolysis) – લોહીનો ગઠ્ઠો ઓગાળવાનું ઇન્જેક્શન
આ પદ્ધતિમાં, દર્દીને નસમાં એક ખાસ પ્રકારનું ઇન્જેક્શન (જેને “ક્લોટ બસ્ટર” પણ કહે છે) આપવામાં આવે છે. આ દવા લોહીમાં ફરીને હૃદયની ધમનીમાં જામેલા ગઠ્ઠાને ઓગાળી નાખે છે, જેનાથી લોહીનો પ્રવાહ ફરી શરૂ થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ, આ ઇન્જેકશન હોસ્પિટલ પહોંચતાના ૩૦ મિનિટની અંદર અપાય જવું જોઈએ.
ફાયદા (Pros):
- ઝડપી અને સરળ: આ સારવાર કોઈ પણ નાના દવાખાના કે હોસ્પિટલમાં, જ્યાં ICU ની સુવિધા હોય, ત્યાં તરત જ આપી શકાય છે.
- સમયનો બચાવ: જો મોટી હોસ્પિટલ દૂર હોય, તો આ ઇન્જેક્શન દર્દીનો જીવ બચાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
- ઓછી ખર્ચાળ: એન્જિયોપ્લાસ્ટીની સરખામણીમાં તેનો પ્રાથમિક ખર્ચ ઓછો હોય છે.
ગેરફાયદા (Cons):
- ઓછી સફળતા: આ દવા 100% કેસમાં નળી ખોલી શકતી નથી. તેની સફળતાનો દર લગભગ 60-70% છે.
- રક્તસ્ત્રાવનું જોખમ: આ દવા આખા શરીરમાં લોહી પાતળું કરે છે, તેથી મગજ કે શરીરના અન્ય કોઈ ભાગમાં રક્તસ્ત્રાવ (બ્લીડિંગ) થવાનું જોખમ રહે છે.
- અધૂરી સારવાર: તે ફક્ત ગઠ્ઠાને ઓગાળે છે, પણ ગઠ્ઠો જે કારણોસર (90-95% બ્લોકેજ) બન્યો હોય, તે બ્લોકેજ ત્યાં જ રહે છે.
2) પ્રાઈમરી પીટીસીએ (Primary PTCA) – એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ
આ સારવારનો શ્રેષ્ઠ અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ વિકલ્પ છે. આમાં, દર્દીને તરત જ કેથ લેબમાં લઈ જઈને એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. તેનાથી કઈ નળી બંધ છે અને કેટલા ટકા બ્લોકેજ છે તે તરત જ ખબર પડી જાય છે. પછી તરત જ વાયર અને ફુગ્ગા (બલૂન) ની મદદથી બંધ નળીને ખોલીને ત્યાં એક જાળી (સ્ટેન્ટ) મૂકી દેવામાં આવે છે, જેથી નળી ફરીથી બંધ ન થાય.
આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ, ૯૦ મિનિટમાં હોસ્પિટલમાં આ સારવાર થઈ જવી જોઈએ.
ફાયદા (Pros):
- સૌથી વધુ સફળતા: આ પદ્ધતિથી નળી ખુલવાની સંભાવના 95% થી પણ વધુ હોય છે.
- સચોટ નિદાન અને સારવાર: કઈ નળી બંધ છે તે ચોક્કસપણે જાણી શકાય છે અને તેની તરત જ સારવાર થઈ જાય છે.
- બ્લીડિંગનું જોખમ ઓછું: આમાં બ્લીડિંગનું જોખમ થ્રોમ્બોલિસિસ કરતાં ઘણું ઓછું હોય છે.
- સંપૂર્ણ સારવાર: તે ગઠ્ઠાની સાથે સાથે મૂળભૂત બ્લોકેજને પણ દૂર કરે છે.
ગેરફાયદા (Cons):
- ઉપલબ્ધતા: આ સુવિધા ફક્ત મોટી અને અત્યાધુનિક હોસ્પિટલોમાં જ (જ્યાં કેથ લેબ અને નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ હોય) ઉપલબ્ધ હોય છે.
- સમય લાગી શકે: જો દર્દી દૂરના વિસ્તારમાં હોય, તો આવી હોસ્પિટલ સુધી પહોંચવામાં સમય લાગી શકે છે.
- વધુ ખર્ચાળ: થ્રોમ્બોલિસિસની સરખામણીમાં આ પ્રક્રિયા વધુ ખર્ચાળ છે.
હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું? (First Aid & Emergency Steps)
આ એ સૂચનાઓ છે જે કટોકટીની ક્ષણે તમારા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ.
1) ઘરે લેવાના તાત્કાલિક પગલાં
છાતીમાં દુખાવો કે ગભરામણ શરૂ થાય કે તરત જ, બધી પ્રવૃત્તિઓ બંધ કરી દો અને શાંતિથી બેસી જાઓ. ગભરાવાથી સ્થિતિ વધુ બગડી શકે છે. ત્યાર બાદ નીચે મુજબની દવાઓ લો:
- શું લેવું? જો તમારા ડોક્ટરે પહેલાંથી જ હૃદયની તકલીફ માટે કહ્યું હોય અને દવાઓ આપી હોય, તો એસ્પિરિન (Aspirin) 300/325 mg અને સ્ટેટિન (Statin – Atorvastatin 80 mg or Rosuvastatin 40 mg) ની ગોળી તરત જ લઈ લો. એસ્પિરિન લોહીને પાતળું કરીને લોહીના ગઠ્ઠાને વધતો અટકાવવામાં મદદ કરે છે.
- શું બિલકુલ ન લેવું? આ સિવાય, જાતે બીજી કોઈ દવા લેશો નહીં. ખાસ કરીને, સોર્બિટ્રેટ (Sorbitrate) જેવી જીભ નીચે મૂકવાની ગોળી બ્લડ પ્રેશર ચેક કર્યા વગર ક્યારેય ન લેશો.
- સોર્બિટ્રેટ લોહીની નળીઓને ઝડપથી પહોળી કરે છે, જેનાથી બ્લડ પ્રેશર (BP) અચાનક અને ખૂબ જ ઘટી જાય છે. અમુક પ્રકારના હાર્ટ એટેકમાં દર્દીનું BP પહેલેથી જ ઓછું હોય છે. આવી સ્થિતિમાં જો સોર્બિટ્રેટ આપવામાં આવે, તો BP એટલું બધું ઘટી શકે છે કે દર્દી શોકમાં જતો રહે અથવા તેનું હૃદય બંધ પણ પડી શકે છે. આ દવા ડોક્ટર દ્વારા ECG જોયા પછી અને BP માપ્યા પછી જ આપવી સુરક્ષિત છે.
2) હોસ્પિટલ જવા માટેની તૈયારી
- જરૂરી કાગળો: હોસ્પિટલ જતી વખતે, તમારા જૂના મેડિકલ રિપોર્ટ્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ કાર્ડ અથવા આયુષ્માન કાર્ડ જેવા સરકારી કાર્ડ ચોક્કસપણે સાથે લઈ લો. જૂના રિપોર્ટ્સ ડોક્ટરને તમારી મેડિકલ હિસ્ટ્રી ઝડપથી સમજવામાં મદદ કરે છે, જેનાથી કિંમતી સમય બચે છે.
- વાહનવ્યવહાર: જાતે ડ્રાઇવિંગ ક્યારેય ન કરવું. હંમેશા એમ્બ્યુલન્સ (108) ને જ ફોન કરો. એમ્બ્યુલન્સમાં ઓક્સિજન, પ્રાથમિક દવાઓ અને પ્રશિક્ષિત સ્ટાફ હોય છે, જે રસ્તામાં જ સારવાર શરૂ કરી શકે છે. ટ્રાફિકમાં પણ તેને પ્રાથમિકતા મળે છે, જેથી હોસ્પિટલ પહોંચવાનો સમય ઘટે છે.
જો હોસ્પિટલ 5-10 મિનિટના અંતરે જ હોય અને એમ્બ્યુલન્સને આવતા વાર લાગે તેમ હોય, તો પરિવારના કોઈ સભ્ય કે પાડોશીને ગાડી ચલાવવા કહો.
3) કઈ હોસ્પિટલમાં જવું? (સૌથી મહત્વનો નિર્ણય)
- પ્રથમ પસંદગી: હંમેશા એવી હોસ્પિટલમાં જવાનો આગ્રહ રાખો જ્યાં કાર્ડિયોલોજી વિભાગ અને કેથલેબ (Cath Lab) ની સુવિધા 24×7 ઉપલબ્ધ હોય.
- બીજી પસંદગી: જો તમારા વિસ્તારમાં કેથલેબની સુવિધા ન હોય, તો ઓછામાં ઓછી એવી હોસ્પિટલમાં જાઓ જ્યાં ICU અને 24-કલાક ECG ની સુવિધા હોય.
- ભૂલ ન કરો: છાતીના દુખાવા માટે ક્યારેય નાના ક્લિનિક કે સામાન્ય દવાખાનામાં જઈને સમય બગાડશો નહીં. ત્યાં હાર્ટ એટેકની સારવાર શક્ય નથી.
4) હોસ્પિટલ પહોંચ્યા પછી વિલંબ ટાળો
એકવાર તમે યોગ્ય હોસ્પિટલમાં પહોંચી જાઓ, પછી “અમુક સંબંધી આવી જાય પછી જ સારવાર કરાવશું ” તેવી ફાલતુ બાબતોમાં સમય ન બગાડો. જે વ્યક્તિ હાજર હોય તેને જ નિર્ણય લઈ લેવો. ઘર કે મિત્ર મંડળમાં કોઈ ડોક્ટર હોય અને બીજો ઓપિનિયન લેવો હોય તો ECG અને અન્ય રિપોર્ટ ફોન પર જ મોકલીને ચર્ચા કરી લેવી. ઇમરજન્સીમાં ડોક્ટરને તેમનું કામ કરવા દો. સારવાર માટે સંમતિ આપવામાં વિલંબ ન કરો. યાદ રાખો, તે સમયે દર્દીનો જીવ કિંમતી છે.
એક નમ્ર વિનંતી
આપણી આ ચર્ચાનો એક જ ઉદ્દેશ્ય છે: જાગૃતિ ફેલાવવી.
હાર્ટ એટેક એક મેડિકલ ઇમરજન્સી છે, પરંતુ જો તેના લક્ષણોને સમયસર ઓળખી લેવાય અને ગભરાયા વગર, સમજી-વિચારીને યોગ્ય પગલાં લેવાય, તો દર્દીનો જીવ બચાવી શકાય છે. આશા છે કે આ માહિતી તમને અને તમારા પરિવારને સુરક્ષિત રહેવામાં મદદ કરશે.
જરા વિચારો, તમારો એક શેર તમારા કોઈ મિત્ર, સંબંધી કે પ્રિયજનને કટોકટીના સમયે સાચો નિર્ણય લેવામાં મદદ કરી શકે છે અને જીવન પણ બચાવી શકે છે. આ લેખને તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમારા ફેસબુક પર અને તમારા પોતાના લોકો સાથે શેર કરો.
ચાલો, સાથે મળીને આપણા સમાજને વધુ જાગૃત અને સ્વસ્થ બનાવીએ.